ગર્ભાવસ્થા દરમિયાન અને ખાસ કરીને ગર્ભાવસ્થાના છેલ્લા પડાવ દરમિયાન ઘણી સ્ત્રીઓને નિરાશા આવી જાય છે. એટલે કે હળવું ડિપ્રેશન આવી જાય છે. જેથી તેની અસર તેમના સ્વાસ્થ્ય પર થાય છે. પ્રસુતિ દરમિયાન તેમની સંભાળ લેવામાં ન આવે તો પ્રસુતિ બાદ પણ તેની અસર રહે છે. જેને તે પોતે પણ સમજી શકતી નથી. તો જાણીએ કે પ્રસુતિ પહેલાં, પ્રસુતિ દરમિયાન, તેમજ પ્રસુતિ પછી માતાની શું સંભાળ લેવામાં આવે છે…..
- જયારે પ્રસુતિના લક્ષણો શરુ થાય છે ત્યારે દર્દી હોસ્પિટલ આવે છે. ત્યારે તેની સૌ પ્રથમ તપાસ કરવામાં આવે છે.
તપાસ ત્રણ પ્રકારની હોય છે.
૧) પ્રસુતાની જનરલ તપાસ
ધબકારા, ઓક્સિજન, બી.પી. ની તપાસ
૨) પ્રસુતાના બાળકની તપાસ
બાળકની તપાસ પેટ પરથી થાય છે જેને PER ABDOMINAL EXAMINATION કહેવાય છે. જેમાં બાળક કેટલા અઠવાડિયાનું છે, બાળકના માથાનો ભાગ નીચે છે ? ઉપરના ભાગમાં છે ? બાળક આડું છે ? બાળકના ધબકારા કેટલા છે ? ધબકારા નિયમિત છે ? તેમજ ડિલેવરીનો દુઃખાવો કેટલા સમયે આવે છે ? કેટલા સમય સુધી રહે છે ? ૧૦ મિનિટમાં કેટલીવાર દુઃખાવો આવે છે ? સૌથી અગત્યનું એ છે કે ગરદન કેવા પ્રકારની છે ? બાળકનું માથું દાઢી અને છાતીએ અડે એવી રીતે ઝુકાવેલું છે ? આકાશ તરફ જોતું એવી રીતે છે.? કે ગરદન એકદમ સીધી છે. આ માંથી સૌથી વધારે ડિલેવરી થવાની શક્યતા એમાં હોય છે જેમાં બાળકનું માથું દાઢી અને છાતીએ અડતું હોય છે.
૩) યોનીની તપાસ
યોનીના માર્ગથી તપાસ. જેને PER VAGINAL EXAMINATION કહેવાય છે. તેમાં ગર્ભાશયનું મુખ કેટલું પહોળું છે ? કેટલું ખુલેલું છે ? ગર્ભાશયના મુખની જાડાઈ કેટલી છે ? બાળકનું આજુબાજુનું પાણી પડતું હોય તો તે કેવા રંગનું છે ? મળ કરેલું છે ? ચોખ્ખું છે ? કે કોઈ અન્ય રંગનું છે ? તેની તપાસ થતી હોય છે. ત્યારપછી ગર્ભાશયના મુખ પર બાળકનો કયો ભાગ આવે છે તેની તપાસ થતી હોય છે. તેમાં જો બાળકનો માથાનો ભાગ નીચે હોય તો તેને સીધું કહેવાય છે. જેથી નોર્મલ ડિલેવરીની શક્યતાઓ વધે છે. જો મુખ પર બાળકનો અન્ય કોઈ ભાગ આવતો હોય તો નોર્મલ ડિલેવરીની શક્યતાઓ ઘટી જાય છે.
- આ તપાસ થયા પછી પ્રસુતાના ૯ મહિના દરમિયાન લોહીના રીપોર્ટ થયા હોય તે તપાસ કરવામાં આવે છે. જે ડિલેવરી પછી શું ધ્યાન રાખવું તેના માટે જરૂરી હોય છે. જેમ કે, પ્રસુતાનું BLOOD GROUP નેગેટિવ હોય તો ડિલેવરી સમયે નાળમાંથી બાળકનું BLOOD નું સેમ્પલ લઈને બ્લડગ્રુપ જાણી શકાય છે. તેમજ થાઈરોઈડની કોઈ બિમારી હોય તો ૪૮ કે ૭૨ કલાક પછી બાળકના ડોક્ટર દ્વારા બાળકનાં થાઈરોઈડનો રીપોર્ટ થઇ શકે છે.
- લોહીનું કોઈ ઇન્ફેકશન હોય, જેમ કે HIV, HBSAG હોય તો કોઈ UNIVERSAL PRECAUTION લેવાની જરૂર છે કે નહી તેની તકેદારી લેવામાં આવે છે.
- બાળકનો જે ખોડખાંપણનો સોનોગ્રાફી કરવામાં આવે છે. તે ખોડખાંપણમાં બાળકને હૃદય કે અન્ય કોઈ તકલીફ હોય કે જે બાળકનાં ડોક્ટરની તાત્કાલિક જરૂર હોય કે નર્સરી સેન્ટરની જરૂર હોય તો તે પ્રમાણે બાળકનાં ડોક્ટરને જાણ કરવાની જરૂર હોય છે.
- આ તપાસ થયા પછી જયારે પ્રસુતાને ડિલેવરી માટે દાખલ કરવામાં આવે છે તે પહેલાં પ્રસુતાને તેમજ તેમના સગાને હાલની પ્રસુતાની શું પરસ્થિતિ છે, ડિલેવરી માટે પ્રયત્ન કરવાનો છે કે ઈમરજન્સી સિઝેરિયન ઓપરેશનની જરૂર છે કે નહિ તેનુ સમજાવવામાં આવે છે.
- જયારે પ્રસુતાને ડિલેવરી માટે સમજાવવામાં આવે છે ત્યારે પ્રસુતા અને પ્રસુતાના સગા એવું સમજે છે કે ડોક્ટર દ્વારા ડિલેવરીનું સમજાવ્યું છે એટલે ડિલેવરી થઇ જ જશે. પરંતુ એવું નથી હોતું .
- કેટલીક વાર ડિલેવરી કરાવવા જતાં પણ કેટલીક ઈમરજન્સી સંજોગોમાં પણ સિઝેરિયન ઓપરેશનની જરૂર પડતી હોય છે. આવા કારણોમાં બાળકનાં ધબકારા ઓછા થવા, બાળક મળ કરી જવું, બાળકની નાળ માથાની નીચે સરકી જવી, મુખ ના ખોલવું, બાળકને ચીપિયો કે મશીનથી ખેંચવા છતાં પણ બાળકની ડિલેવરી ના થવી. અથવા માતા થાકી જવાને કારણે સારી રીતે જોર ના કરી શકે આવા સંજોગોમાં ઈમરજન્સી સિઝેરિયનની પણ જરૂર હોય છે.
- આવા સંજોગો સમજવા પ્રસુતા અને તેમના સગાને સમજાવવા ખૂબ જ જરૂરી છે તેમજ ડોક્ટરની પણ જવાબદારી છે કે દર્દીને આ સંજોગો અગાઉથી જ સમજાવવા. જેથી જયારે પણ ઇમરજન્સી ઓપરેશનની જરૂર પડે ત્યારે દર્દી અથવા દર્દીના સગાની ડોક્ટર પરનો વિશ્વાસ ડગમગે નહિ. તેમજ કોઈ શંકા ઉભી ના થાય.
- સારવાર દરમિયાન જયારે તેમને દાખલ કરવામાં આવે છે ત્યારે તેમને VEIN FLOW એટલે કે સોય મુકવામાં આવે છે. જેમાંથી જરૂર પડતાં ઇન્જેક્શન, સલાઇનની બોટલ કે ડ્રીપ શરુ કરી શકાય.
- ત્યારબાદ યોનીની આજુબાજુ એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરવાનું હોય છે. ઇનેમા સંડાશ સાફ થાય તેના માટે પાણી ચડાવવામાં આવે છે. તેમજ જે પણ પ્રસુતાનું મુખ ૪ થી ૫ cm થી ઓછું ખુલેલું હોય છે, ખૂબ વધારે દુઃખાવો થતો નથી. અથવા તો ઉલટી થતી નથી તો તેમણે નોર્મલ પ્રવાહી પાણી, નારિયેળ પાણી અથવા તો મોસંબીનું જ્યુસ લઇ શકે છે.
- કેટલાક દર્દી એવા હોય છે જેને ડિલેવરીના સમયમાં ૧૦ થી ૧૨ કલાકની વાર હોય તેમજ ઉલટી ઉબકા ન થતાં હોય તો જમવામાં શીરો, સાદી ખીચડી કે ઉપમા લઇ શકે છે. પરંતુ જે દર્દીને ખાવાનું મન ન થતું હોય અથવા ખાવાથી ઉલટી ઉબકા થતાં હોય, કશું પણ લઇ શકતા ન હોય તો તે ચિંતા કરવાનો વિષય નથી. જો તમે એની ડોક્ટરને જાણ કરશો તો તે તમને ગ્લુકોઝની સલાઇન આપશે. જેથી દર્દીની એનર્જી જળવાય રહેશે.
- દર્દીને તેમજ તેમના સગાને સંમતિપત્રક સમજાવવામાં આવે છે અને એમને જરૂરિયાત પ્રમાણે યોગ્ય રૂમમાં શીફ્ટ કરવામાં આવે છે. દર્દીનું મુખ ૭ થી ૮ cm થી ઓછું ખુલેલું હોય અને ચક્કર ન આવે તો રૂમમાં જ ચાલી શકે છે. જો દર્દીને ચક્કર કે ખૂબ વધારે દુઃખાવો થતો હોય તો તેમણે આરામ કરવો જોઈએ. જયારે પણ સૂવે તો ડાબા પડખે સૂવું જોઈએ…
- આ દરમિયાન ડિલેવરીના ત્રણ સ્ટેજ હોય છે.
૧) ડિલેવરીના લક્ષણોથી મુખ ખુલે ત્યાં સુધી
બાળકનાં ૧૫ થી ૩૦ મિનિટ વચ્ચે ધબકારા જોવામાં આવે છે. જરૂરિયાત અનુસાર NST (NON STRESS TRESS) દ્વારા અથવા CARDIO TOCOGRAPHY દ્વારા બાળકનાં ધબકારાની તપાસ થતી હોય છે તેમજ ૨ થી ૩ કલાકે પ્રસુતાના ધબકારા અને બ્લડ પ્રેશર માપવામાં આવે છે.
આ સમય દરમિયાન ઉલટી ઉબકા ન થાય તો સાદુ પ્રવાહી લઇ શકાય છે. વધારે દુઃખાવો ન થાય તો ચાલીફરી શકાય છે. આ સમય દરમિયાન સૌથી અગત્યની બાબત એ છે કે પ્રસુતાને તેમજ તેમના સગાને યોગ્ય હૂંફ મળે અને આત્મિક મનોબળ વધે તેવા ડોક્ટર દ્વારા પ્રયત્નો હોવા જોઈએ. સામાન્ય રીતે ડિલેવરીનો દુઃખાવો વધવાને કારણે, દર્દી થાકવાને કારણે સિઝેરિયન ઓપરેશનની ડિમાન્ડ કરતાં હોય છે તેમજ સહન ન થતુ હોય તો જોર કરી શકતા નથી. જો ડિલેવરીના દુઃખાવા વિશે યોગ્ય સમજ આપવામાં આવે તો પ્રસુતાને તેમજ તેમના સગાને પણ યોગ્ય શાંતવના મળી રહે છે. પ્રસુતાના સગાઓએ ખાસ સમજવાની જરૂર છે કે જયારે પ્રસુતાને દુઃખાવો થતો હોય ત્યારે તેમને આત્મ મનોબળ આપવું જોઈએ. નહિ કે, બિચારી, ખૂબ વધારે દુઃખાવો થાય છે, કેમ સહન થશે. એવા નબળા શબ્દોથી તેમની હિંમતને ન હરાવતા તેમને આત્મ મનોબળ આપવું જોઈએ.
ત્યારબાદ બેરિંગ ડાઉન એટલે કે નીચે જોર કેવી રીતે કરવું એ પહેલાં સ્ટેજમાં જ સમજાવવામાં આવે છે.
૨) ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખુલે ત્યારથી ડિલેવરી થાય ત્યાં સુધી
પ્રસુતાને નીચે જોર કેવી રીતે કરવું તે સમજાવવામાં આવે છે. જયારે બાળકનું માથું દુઃખાવા વગર પણ નીચે દેખાય છે ત્યારે જ્યાં ચેકો મારવાનો છે ત્યાં LOCAL ANESTHESIA આપી તે ચામડીનો ભાગ બેરુ કરી ચેકો મારવામાં આવે છે. જેને EPISIOTOMY કહેવાય છે. ૩ થી ૪ cm નો ચેકો મારીને બાળકની ડિલેવરી કરાવી બાળકને માતાના પેટ પર સુવડાવવામાં આવે છે. જેથી બાળક માતાને અડવાને કારણે બાળકને હાઈપોથરમિયા એટલે કે ઠંડુ પડવાની શક્યતા ઓછી રહે છે, તેથી તેનો ઓક્સિજન સારો રહે છે. ૧ થી દોઢ મિનીટ નાળ મોડી કાપવાને કારણે નાળમાં ૮૦ ml જેટલું લોહી હોય છે તે બાળકમાં જાય છે જે તેનું ૧ ગ્રામ જેટલું હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે. ત્રીજો ફાયદો એ પણ છે કે બાળકનું વજન વધારે હોવાને કારણે ગર્ભાશયની આગળની અને પાછળની દિવાલ એકબીજા સાથે દબાઈને રહેવાથી ગર્ભાશય મસાજ થાય છે અને લોહી જવાની શક્યતાઓ ઓછી થતી હોય છે.
બાળકની નાળ કાપીને બાળકને બાળકના ડોકટર ને આપવામાં આવે છે અને બાળકના ડોકટર બાળક વિશે પૂરી માહિતી માતા અને તેમના સગાઓને સમજાવે છે. તેમજ નવજાત બાળકની કેવી રીતે સંભાળ રાખવી તેના વિશે માહિતી આપે છે .
૩) ઓર અથવા મેલી (પ્લાસેન્ટા) કાઢવામાં આવે છે.
પ્લાસેન્ટા ડીલેવર થયા પછી માતાને મેથાર્જીન અથવા ઓક્સીટોસીન ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી ગર્ભાશય સંકોચાય છે અને BLEEDING ઓછું થવાની શક્યતાઓ રહે છે.
ત્યારબાદ જે ચેકો મુકેલો છે EPISIOTOMYને SUTURE કરવાનો હોય છે. ત્યાર પછી યોનીની આજુબાજુ એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરી BLEEDING ના થતું હોય તો ૧૫ થી 20 મિનીટ પછી RECHEK કરી વોર્ડમાં શીફ્ટ કરવામાં આવે છે. વોર્ડ માં શીફ્ટ થયા પછી માતાના ધબકારા અને બ્લડપ્રેશર ચેક કરવામાં આવે છે. તેમજ શરૂઆતનાં ૨ કલાકમાં દર અડધી કલાકે જોવામાં આવે છે. BLEEDING પણ ૨ થી ૩ વાર જોવામાં આવી છે
૧ થી ૨ વાર BLEEDING જોયા પછી BLEEDING ન આવતું હોય તો માતાને ગરમ પ્રવાહી આપવાનું હોય છે. ગરમ પ્રવાહી લીધાં પછીના એક થી દોઢ કલાકમાં સ્ફૂર્તિ લાગે ત્યાર પછી પેશાબ માટે મોકલવામાં આવે છે. પેશાબ થયા પછી માતા શીરો અથવા નોર્મલ ગરમ તાજું ભોજન લઈ શકે છે.
જમ્યા પછી માતાને એન્ટીબાયોટિક, દુ:ખાવો ન થાય અને દવાના લીધે એસિડીટી ન થાય તેના માટે ગોળી આપવાની હોય છે. ટાંકાની જગ્યાએ લગાવવા માટે ટ્યુબ અને ટાંકા સાફ રાખવા માટે અને બેસવા માટે લિક્વિડ, બાળકની નાભી પર નાખવા માટેનો પાઉડર તેમજ બાળકને પીવડાવવાના ડ્રોપ, પાઉડર તેમજ ડીલેવરી પછીની સંભાળ કેવી રીતે રાખવી તેનું સમજાવવામાં આવે છે. જેમાં ટાંકાની સંભાળ કેવી રીતે રાખવી, બાળકની સારસંભાળ, ડીલેવરી પછી જમવામાં શું લેવું, શું ધ્યાન રાખવું, કેવો પૌષ્ટિક આહાર લેવો તેના વિશેની પુરતી માહિતી આપવામાં આવે છે.
તો આ આપણે જાણ્યું કે પ્રસુતિ દરમિયાન કેવી રીતે તપાસ કરે છે ? કેવા સંજોગોમાં દર્દીનાં સગાએ શું ધ્યાન રાખવું ?
ડીલેવરી સમયે શું ધ્યાન રાખવું ? જેથી ડિલેવરીના સમય દરમિયાન તમે સહેલાઈથી કોઈ ચિંતા કે મૂંઝવણ વિના પ્રસુતાના સમયને પાર કરી શકો.
No Comments