- પ્રેગનેન્સી રહેતાની સાથે દરેક માતા અને તેના પરિવારને એ જાણવાની ઉત્સુકતા સૌથી વધારે હોય કે સગર્ભાવસ્થામાં માતા એ શું ખાવું પીવું જેથી બાળક અને માતાની તંદુરસ્તી સારી રહે તો આજે આપણે જાણીશું કે પ્રેગનેન્સી દરમિયાન ખોરાક શા માટે લેવો જોઈએ ? કેવી રીતે લેવો જોઈએ ? ખોરાક લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ? કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ ? વગેરે વગેરે ………….
ખોરાક શા માટે લેવો જોઈએ ?
- ખોરાક એ માત્ર આપણી ભૂખને સંતોષવા માટેનો નથી પરંતુ ખોરાક એ એક શક્તિનો સ્ત્રોત છે.
- પ્રેગનેન્સી દરમિયાન માતા દ્વારા જે પણ ખોરાક લેવામાં આવે છે. એ ખોરાકમાંથી ગર્ભસ્થ શીશુનાં વિકાસ માટે ઉપયોગી એવા પોષકતત્વો પણ પુરા પાડે છે,તેમજ તેમના દ્વારા હલનચલન થતી ક્રિયાને માટે પણ શક્તિ પૂરી પાડે છે.
- મેલીના વિકાસ અને નાળના વિકાસ માટે પણ આ પોષકતત્વોની જરૂર હોય છે.
- બાળકનાં વિકાસ અને વજનના કારણે પ્રેગનેન્સી દરમિયાન માતાને જે પણ વધારે પડતી શક્તિની જરૂર પડે છે. તેના માટે આ ખોરાક વધારે પડતો લેવાની જરૂર હોય છે.
પ્રેગનેન્સીના મહિના અનુસાર ખોરાક કેવી રીતે લેવો જોઈએ ?
- શરૂઆતના પ્રેગનેન્સીના ૩ મહિના દરમિયાન દરેક સ્ત્રીને ખૂબ જ વધારે પ્રમાણમાં જમવાનું ન ભાવતુ હોય કારણ કે ઉલ્ટી,ઉબકા થતા હોય છે.ખોરાક પણ ખૂબ ઓછા પ્રમાણમાં લઇ શકે છે.
- તો આવા સમય દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ જલ્દી પચી જાય તેવો સુપાચ્ય ખોરાક અને પ્રવાહીનો ઉપયોગ ખોરાકમાં વધારે પ્રમાણમાં લેવો જોઈએ.
- ત્યારબાદના ૩ થી ૬ મહિના દરમિયાન ઉલ્ટી, ઉબકા ઓછા થતાં હોય છે. તો આ સમય દરમિયાન માતા સમતોલ, પ્રોટીન સભર, પોષ્ટિક આહાર સારા પ્રમાણમાં લેવો જોઈએ.
- આ મહિના સૌથી અગત્યના છે તેથી આ મહિના દરમિયાન સૌથી વધુ સમતોલ પ્રોટીન આહાર લેવો જોઈએ.
- ત્યાર પછીના છેલ્લા ૩ મહિના દરમિયાન બાળક ખૂબ મોટું થયેલું હોવાથી આંતરડાને જગ્યા ઓછી મળતી હોવાથી આંતરડાં સંકોચાયેલા હોય છે તેથી આ સમય દરમિયાન વારંવાર થોડો થોડો ખોરાક લેવો જોઈએ, એક સાથે પેટ ભરીને ન જમવું જોઈએ.
દિવસ દરમિયાન ખોરાક કેવી રીતે લેવું જોઈએ ?
- સૌથી પહેલાં ઉઠ્યા પછી રાતની જે બદામ, અંજીર કે સુકોમેવો પલાળેલો છે તે સવારે ચાવીને લેવો. પછી કસરત, પ્રાણાયામ અને સ્નાન કરવું. ત્યાર પછી ઘરનું કામ શરુ કરીએ તે પહેલાં પ્રવાહી સ્વરૂપે દૂધ, ફ્રુટ અથવા કોઈપણ પ્રકારનું જ્યુસ લેવું જોઈએ.
- ઘરના હળવા કામો પુરા કર્યા પછી જયારે પણ થોડી ભૂખ લાગે ત્યારે દૂધ અથવા સાકરવાળું દૂધ અથવા ખૂબ જ જરૂર પડી શકે એવા ચા વાળા દૂધ સાથે રોટલી, ભાખરી, થેપલાં કે ખીર સાથે લઇ શકાય છે.
- સવારના નાસ્તા અને મધ્યાહન ભોજન એટલે કે સવારે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે દૂધ અથવા ફ્રુટ, ખજુર, મગફળી, બાફેલા મગ આવા પોષ્ટિક આહાર લઇ શકાય છે.
- મધ્યાહન ભોજન સામાન્ય રીતે બપોરના 12:૩૦ વાગ્યા થી ૦૧:૩૦ વાગ્યાની વચ્ચે કરી લેવું જોઈએ.
- આ સમય દરમિયાન અનાજમાંથી બનાવેલી રોટલી, રોટલાં, થેપલાં, પૂરી, પરોઠાની સાથે એક વાટકી ભરેલું શાક, એક નાની ડીશ ભરેલું સલાડ, એક-બે ગ્લાસ છાશ, એક વાટકો ભરેલું દહીં, એક વાટકી દાળ ભાત લઇ શકાય છે.
- ત્યારબાદ 4:૦૦ થી 4:૩૦ ની આસપાસ સુકા નાસ્તાના રૂપે ચા સાથે ખાખરા, મકાઈ, બાફેલી અથવા શેકેલી, મગફળી બાફેલી અથવા શેકેલી, મગફળી સાથે ખજૂર , બાફેલા મગ, કઠોળની બનાવેલી ચાટ ફ્રુટ ડિશ. આવા પ્રકારનો હળવો નાસ્તો પણ લઇ શકાય છે.
- સાંજનું જમણ સૂર્યાસ્ત પહેલાં જમી લેવું જોઈએ અથવા સૂવાના સમયના ૨ થી ૩ કલાક પહેલાં જમી લેવું જોઈએ.
- રાતે સૂતા પહેલાં સાદુ દૂધ અથવા સાકરવાળું દૂધ લેવું જોઈએ.
જમવામાં શું–શું લેવું જોઈએ ?
- જમવામાં, અનાજમાં ઘઉં, ચોખા, બાજરી, જવ, જુવાર લઇ શકાય છે.
- પરંતુ કેટલાક દર્દીઓને જમવામાં બાજરી ભારે પડતી હોય તો બાજરી સાથે જવ લેવાથી પાચનમાં ભારે પડતી નથી.
- પ્રોટીનના સભર ખોરાકમાં દૂધ અથવા દૂધમાંથી બનાવેલી વાનગીઓ પનીર, દહીં, છાશ અથવા સૂકામેવા, મગફળી, સોયામાંથી બનાવેલી વસ્તુઓ અથવા તેલીબીયા અને કઠોળ પણ લઇ શકાય છે.
- કઠોળમાં મગ, મઠ, ચણા, રાજમા લઇ શકાય છે.
- કઠોળ સાધારણ રીતે ફણગાવેલા લેવા જોઈએ. કાચા ફણગાવેલા ન ફાવે તો શેકી શકાય અથવા તો બાફેલા પણ લઇ શકાય છે.
- ફળો અને શાકભાજી પ્રેગનેન્સી દરમિયાન વિટામીન અને પોષકતત્વોનો સૌથી મોટો સ્ત્રોત છે. એટલે દિવસ દરમિયાન ફરજીયાત પણે ફળો અને શાકભાજીનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ.
- તેમાં રહેલા ફાઈબર ચયાપચયની ક્રિયાઓમાં પણ ખૂબ મદદ થતાં હોય છે અને તેના કારણે દર્દીને કબજિયાતની તકલીફ ઓછી રહેતી હોય છે.
- ત્યારપછી આવે છે ચરબીજન્ય ખોરાક…..
- ચરબીજન્ય ખોરાકમાંથી શરીરને યોગ્ય પ્રમાણમાં શક્તિ મળી રહે છે. લુબ્રીકેશન જેવું કામ કરે છે. તેમજ ચરબીમાં દ્રાવ્ય એવા A,D,E,K જેવા વિટામીનનું પ્રમાણ જાળવી રાખે છે.
- પરંતુ ચરબી યોગ્ય પ્રમાણમાં લેવી ખૂબ જ જરૂરી છે. વધારે પડતા ચરબી લેવાને કારણે શરીરનો વજન વધારે થતો નથી.
- ઓમેગા ફેટીએસિડ, જે ગર્ભશીશુના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ ઓમેગા ફેટીએસિડ અખરોટ, ઓલિવઓઈલ અને અળસી માંથી મળે છે.
ખોરાક લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ?
- ખોરાક જયારે હળવી ભૂખ લાગી હોય ત્યારે જ લઇ લેવો જોઈએ નહિ કે કડકડતી ભૂખ લાગે ત્યારે લેવો.
- ખોરાક શાંત અને પ્રફુલ્લિત વાતાવરણમાં લેવો જોઈએ. કોલાહોલ, ટી.વી. જોતા જોતા ના લેવો. જયારે પણ તમે દુ:ખી હોય, નિરાશ હોય, આવેગમાં હોય, ગુસ્સામાં હોય ત્યારે ખોરાક ના લેવો જોઈએ.
- ખોરાક લેવા સમયે હંમેશા મનમાં એક વિચાર કરવો કે, આ ખોરાકમાંથી જે પણ શક્તિ અથવા પૌષ્ટિક તત્વો મળશે. તે મારા બાળકનાં વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આવા વિચારની સાથે ખોરાક લેવાથી આપને પૌષ્ટિક આહાર લેવાની ફરજ પાડશે.
- જમવાની સાથે દરેક કોળયાએ એક કે બે ઘૂંટ પ્રવાહી લેવું જોઈએ, કે જેથી ખોરાક યોગ્ય રીતે પાચન થઇ શકે. જમ્યા પછી વધારે પાણી ન પીતા એક કે બે ઘૂંટ જ પાણી પીવું જોઈએ. જમ્યા પછી ૧૦ થી ૧૫ મિનીટ શાંતિથી બેસવું અથવા વજ્રાસનમાં બેસવું જોઈએ.
- ખોરાક લીધાના ૧ કે દોઢ કલાક પછી જ થોડે થોડે વારંવાર પાણી પીવું જોઈએ.
કેવા પ્રકારનો ખોરાક ના લેવો જોઈએ…
- પૈસ્ચ્યુરાઈઝ ના કરેલું હોય તેવું દૂધ અથવા તેમાંથી બનાવેલી વાનગીઓ ના લેવી જોઈએ.
- ખુલ્લો, વાસી અથવા લારીમાં મળતો ખોરાક ના લેવો જોઈએ.
- આર્ટીફિશીયલ સ્વીટનર કેમિકલ નાખેલો ખોરાક ના લેવો જોઈએ.
- કાચા રાંધેલા અથવા ઓછા રાંધેલા કઠોળ ક્યારેય ના લેવા જોઈએ.
પ્રેગનેન્સી દરમિયાન ખોરાક કેવી રીતે લેવો જોઈએ, કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને શા માટે લેવો જોઈએ….. એ જાણવા સાથે આપ હવે ટેવમાં પણ લાવશો તો આપ અને આપણા બાળકને પૂરતા પોષકતત્વો મળી રહે જેથી આપ બંને તંદુરસ્ત પણ રેહશો.
No Comments