અધુરા મહિને ડિલિવરી થવાના કારણો કયા કયા હોય છે ? તે કારણોના નિવારણ માટે દર્દીએ કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ ? તેમજ તે કારણોના સારવાર રૂપે ડોક્ટર દ્વારા શું કરવામાં આવે તેના વિશે માહિતી મેળવીએ…
સૌથી પહેલાં એ જાણવું જોઈએ કે પ્રિટર્મ ડિલિવરી એટલે કે અધુરા મહિનાની ડિલિવરી કોને કહેવાય ?
- ગર્ભશિશુનો વિકાસ સામાન્ય રીતે માતાના છેલ્લા માસિકના પહેલાં દિવસથી ગણવામાં આવે છે. અને તે અનુસાર તમને DUE DATE એટલે કે અંદાજે ડિલિવરીની આસપાસની તારીખ આપવામાં આવે છે. જયારે પણ 37 અઠવાડિયાથી પહેલાં ડિલિવરી થાય છે તેને પ્રિટર્મ ડિલિવરી અથવા અધુરા મહિનાની ડિલિવરી કહેવામાં આવે છે. એટલે કે DUE DATE નાં 3 અઠવાડિયા પહેલા જે પણ ડિલિવરી થાય છે તેને પ્રિટર્મ ડિલિવરી કહેવાય છે.
PRE-TERM ડિલિવરીથી બાળકને શું નુકસાન થાય છે ?
- બાળકનો વિકાસ અધુરો થાય છે, શરીરના અંગોનો વિકાસ અધુરો થાય છે, ફેફસાનો વિકાસ અધુરો થાય છે ફેફસાના અધુરા વિકાસને કારણે બાળકે લીધેલા શ્વાસમાંથી ઓક્સિજન લોહીમાં જતું નથી અને શરીરના દરેક અંગોને ઓક્સિજન મળતું નથી તેથી દરેકે દરેક અંગ ઓછા કાર્યશીલ હોય છે. તેમજ દરેક અંગોના ઓછા વિકાસને કારણે આંતરડા ઓછા કામ કરે છે, મગજનો વિકાસ ઓછો થાય છે અને બાળક જાતે ધાવણ ખેંચી શકતું નથી. આ બધા સંજોગોને કારણે બાળકને NICU એટલે કે કાચની પેટીમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત બાળકનું વજન ઓછું હોવાને કારણે તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી બાળકને ચેપ લાગવાની સંભાવના પણ વધી જાય છે.
PRE-TERM (અધુરા મહિને) ડિલેવરી થવાના કારણો કયા કયા હોય છે ? કારણોને જાણી દર્દીએ શું સાવધાની રાખવાની છે ? અને ડોક્ટર દ્વારા કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે ? તેના વિશે જાણીએ…
કારણો:- 1) MENTAL STRESS (માનસિક તાણ) 2) PHYSICAL STRESS(શારીરિક થાક)
માનસિક તાણ :-
- માનસિક તાણને કારણે દર્દીમાં હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધે છે જેને કારણે અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ વધતી હોય છે.
- માનસિક તાણ ઓછું કરવા માટે યોગા-પ્રાણાયામ, સારું સંગીત સાંભળવું, સારી પુસ્તકો વાંચવી ખાસ કરીને મહાપુરુષો અને બાળ કેળવણીની પુસ્તકો વાંચવી જોઈએ, ચિત્રો દોરવા રંગો પુરવા, માનસિક રમતો રમવી આ બધી રમતોમાં ધ્યાન દેવાથી માતાનું માનસિક તણાવ ખૂબ ઓછો થાય છે.
- આ ઉપરાંત માતા હંમેશા આનંદમય રહે તેના માટે પરિવાર જનોએ તેની આસપાસનું વાતાવરણ આનંદમય રાખવું જોઈએ. જરૂરિયાત અનુસાર ગર્ભવતી માતાને તેના માતાપિતાની જરૂર પડે તો તેમને મળવાની છૂટ પણ આપવી જોઈએ જેનાથી તેમનો માનસિક તણાવ પણ ઓછો થાય.
શારીરિક થાક :-
- જયારે ગર્ભવતી સ્ત્રી 6 કલાક કરતાં વધુ ઉભા રહે છે ત્યારે અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ વધી જાય છે. માટે પ્રેગનેન્સી દરમિયાન વધુ પડતું કામકાજ ન કરતાં જરૂર અનુસાર કામ કરવું જોઈએ જેથી શરીરને થાક ન લાગે. ઓછો થાક લાગે તેના માટે તેમને રાતના સમય દરમિયાન 6 થી 7 કલાકની પુરતી ઊંઘ લેવી જોઈએ તેમજ દિવસ દરમિયાન 1 થી 2 કલાકની ઊંઘ લેવી જોઈએ.
- વધારે પડતું વજન ન ઉપાડવું કે જેથી અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ ઘટે.
- જયારે ઇન્ફેકશન એટલે કે યોનીનો ચેપ, ગર્ભાશયનો ચેપ, પેશાબનો ચેપ કે દાંતમાં પરું કે રસી થાય છે ત્યારે પણ અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહે છે. તેમજ પેશાબમાં બળતરા થવી, વાસ આવે એવું સફેદ પાણી આવવું, વારંવાર પેઢુમાં દુઃખાવો થવો આ બધી તકલીફો પ્રેગનેન્સી પહેલાં હોય અથવા પ્રેગનેન્સી દરમિયાન હોય તો તુરંત તમારા ડોક્ટરને જાણ કરો કે જેથી તમારા ડોક્ટર દ્વારા યોગ્ય એન્ટી બાયોટિક આપી તેની સારવાર કરવામાં આવે અને અધુરા મહિને થતી ડિલિવરી અટકાવી શકાય.
TRAUMA (ઈજા) :-
- કોઈ ઈજા થવાને કારણે જયારે બ્લીડીંગ શરુ થઇ જાય છે ત્યારે પણ અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહે છે.
- આ ઈજા અથવા ઘાવને અટકાવવા માટે પ્રેગનેન્સી દરમિયાન દર્દીએ શક્ય હોય તો મુસાફરીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. જયારે પણ મુસાફરી ફરજીયાત હોય ત્યારે ટુ-વિલ કરતા ફોર-વિલ વાહનનો ઉપયોગ કરવો જોઈએ.
- ઘરમાં કામકાજના સમય દરમિયાન ચીકણા ફલસ અથવા પાણી ભરેલા ફલસ ઉપર ચાલવાનો ઓછો પ્રયત્ન કરવો જોઈએ તેમજ કામકાજ દરમિયાન ટેબલ કે ખુરશી પર ઉપર ચડવાનું ઓછું રાખવું જોઈએ.
UTERUS DEFECTS(ગર્ભાશયની ખામી) :-
- જયારે ગર્ભાશયમાં કોઈ પડદો હોય અથવા જન્મજાત ખામી હોય, ગર્ભાશયનું મુખ નાનું હોય અથવા નબળું હોય ત્યારે પણ અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહે છે.
- આ દરમિયાન 3 અને 5 મહિના દરમિયાન સોનોગ્રાફીની સલાહ આપવામાં આવે છે તો દરેક દર્દીએ આ સોનોગ્રાફી અવશ્ય કરાવવી જોઈએ.
- જો આ સોનોગ્રાફી દરમિયાન ગર્ભાશયનું મુખ નાનું લાગે અથવા ગર્ભાશયમાં કોઈ ખામી લાગે તો ટાંકો લેવાની સલાહ આપવામાં આવે છે તો સમય અનુસાર ટાંકો પણ લેવડાવી લેવો જોઈએ.
- આ ઉપરાંત પ્રેગ્નેન્સીમાં જુડવા બાળકો હોય અથવા બાળકનું આજુબાજુનું પાણી વધારે હોય એવા સંજોગોમાં અધુરા મહિને ડિલિવરી થવાને અટકાવવા માટે દર્દીએ પ્રેગનેન્સી દરમિયાન આરામ કરવો જોઈએ અને આપના ડોક્ટર દ્વારા ટાંકો લેવાની સલાહ આપવામાં આવે તો તે પણ પાળવી જોઈએ.
- કેટલીક વાર અગાઉ અધુરા મહિને ડિલિવરી થયેલી હોય અથવા વારંવાર 3 મહિના પછી એબોર્શન અથવા ક્રિયટન કરવામાં આવેલા હોય ત્યારે પણ અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ હોય છે. આવા પ્રકારના દર્દીઓ પ્રેગનેન્સીમાં વધુમાં વધુ આરામ રાખવો જોઈએ.
- અન્ય કારણોમાં દર્દીનું વજન ઓછું હોય, હોમોગ્લોબીન એટલે કે લોહીની ટકાવારી ઓછી હોય, પોષકતત્વોની ખામી હોય આવી ખામીઓને લીધે પણ અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહે છે.
- તેમના નિવારણ માટે પ્રેગનેન્સી પહેલાં જ FOLIC ACID, B12 ના પોષક તત્વોને પુરતા પ્રમાણમાં લેવા જોઈએ તેમજ પ્રેગનેન્સી પહેલાં જ હિમોગ્લોબીન સારું રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
- પ્રેગનેન્સી દરમિયાન આપના ડોક્ટર દ્વારા આપવામાં આવતાં શરૂઆતના 3 મહિનામાં FOLIC એસિડ કે ૧૨ લેવું જોઈએ. ત્યારબાદ બાકીના 6 મહિનામાં આપવામાં આવતી હિમોગ્લોબીન અને કેલ્શિયમની દવાઓ પુરતા પ્રમાણમાં અને સમયસર લેવી જોઈએ કે જેથી તમારા હિમોગ્લોબીન કે કેલ્શિયમની ઊણપ ન રહે.
- પ્રેગનેન્સી દરમિયાન તમાકું, સ્મોકિંગ અને આલ્કોહોલને કારણે પણ અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ હોય છે તો સગર્ભા માતાએ આવી કોઈ પણ આદતો પ્રેગનેન્સી દરમિયાન ન રહે તે માટે હંમેશા પ્રયત્નો કરતાં રહેવા જોઈએ.
- પ્રેગનેન્સી દરમિયાન આપના ડોક્ટર દ્વારા થયેલી પૂછપરછ અનુસાર જયારે પણ ડોક્ટરને એવું લાગતું હોય કે તમારા કેશમાં અધુરા મહિને ડિલિવરી થવાની શક્યતા છે ત્યારે અધુરા મહિનાની ડિલિવરી અટકાવવા માટે પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ આપવામાં આવે છે જે સમયસર લેવા જોઈએ. કેટલીક વાર ટોકોલાઇટીક્સ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. તે પણ સમયસર લેવી જોઈએ અને જરૂર અનુસાર ગર્ભાશયના મુખ પર ટાંકો લેવાની સલાહ આપવામાં આવે ત્યારે એ પણ અવશ્ય લેવડાવવો જોઈએ.
- જયારે અધુરા મહિનાની ડિલિવરીનો દુઃખાવો શરૂ થાય છે ત્યારે આપના ડોક્ટર હોસ્પિટલમાં દાખલ થવા માટેની સલાહ આપવામાં આવે છે અને જરૂર અનુસાર ટોકોલાઇટીક ઇન્જેક્શન અથવા બાળકના ફેફસાના વિકાસના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે તો આપના ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય સારવાર જરૂર લેવી જોઈએ.
No Comments