સામાન્ય રીતે પ્રેગનેન્સી દરમિયાન અપૌષ્ટિક આહાર લેવાના કારણે, ખોટી આહારની પધ્ધતિને કારણે અને આયર્નની દવા લેવાની આળસ કરવાને કારણે હિમોગ્લોબીન ખૂબ ઓછું થઇ જાય છે. તેના લીધે દર્દીને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. તો જાણીએ હિમોગ્લોબીનની ટકાવારી યોગ્ય રીતે જળવાઈ રહે તેના માટેના કારણો જાણીએ અને તેની સારવાર પણ જાણીએ…..
- સામાન્ય રીતે ICMR ની ગાઈડ લાઈન અનુસાર પ્રેગનેન્સી દરમિયાન હિમોગ્લોબીનની ટકાવારી 11 ગ્રામ હોવી જોઈએ. જો 11 ગ્રામ કરતા હિમોગ્લોબીન ઓછું હોય તો તેને એનેમિયા કહેવામાં આવે છે.
-
હિમોગ્લોબીનનું શરીરમાં કામ શું છે ???
- હિમોગ્લોબીન દરેક કોષ સુધી ઓક્સિજન લઇ જાય છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઈડને પાછો લાવે છે તેથી દરેક કોષની કાર્ય ક્ષમતા જાળવી રાખવા માટે હિમોગ્લોબીન જરૂરી છે તેમજ લોહીની PH નું નોર્મલ સ્તર જાળવી રાખવી માટે પણ હિમોગ્લોબીન અગત્યનું છે.
-
હિમોગ્લોબીન ઓછું થાય ત્યારે શું તકલીફ થાય છે ???
- શરીરમાં હિમોગ્લોબીન ઓછું થાય છે ત્યારે દર્દીને કમજોરી લાગે, ચક્કર આવે, કાર્યક્ષમતા ઓછી થાય, સ્ફૂર્તિ ઓછી થાય, રોજિંદા કામોમાં પણ થાક લાગે, શ્વાસ ચડે તેમજ અપચો થાય, એસીડીટી થાય, ભૂખ ઓછી લાગે આવા પ્રકારની તકલીફો થતી હોય છે.
- હિમોગ્લોબીન ઓછું રહે ત્યારે આંખના નીચેનો પોપચો, જીભ, નખ અને હથેળી ફિક્કી દેખાતી હોય છે.
- લોહીનો રીપોર્ટ કરાવ્યો હોય ત્યારે લોહીના ટકા ઓછા હોય છે.
- કેટલીક વાર હિમોગ્લોબીન ઓછું થવાને કારણે ખૂબ જ ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે જેમકે લોહીની ટકાવારી ખૂબ જ ઓછી હોય તો લોહીની બોટલ ચડાવવી, થોડું પણ લોહી જાય તો તેમનું BP તરત ઓછું થાય, હૃદય કામ કરતું ઓછું થાય, ફેફસામાં પાણી ભરાય, દર્દીને ચેપ લાગે, ICU માં દાખલ કરવું પડે એવી પરિસ્થિતિઓ પણ આવે છે.
-
હિમોગ્લોબીન ઓછું થવાના કારણો અને તેની સારવાર
- મુખ્યત્વે ત્રણ કારણો છે.
1) પોષકતત્વોની ખામી :- આયર્ન, ફોલિક એસિડ અને B12 ની ઉણપને કારણે
- આયર્નની ઉણપની સારવાર માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
- રોજ સવારે ભૂખ્યા પેટે પાલક, બીટ, દૂધી, આમળા અને કોથમીરનું જ્યુસ પીવું જોઈએ.
- ખજૂરને ઘીમાં શેકીને મગફળી અથવા બદામ સાથે લઇ શકાય.
- રોજે બે અંજીર લઇ શકાય.
- ખોરાકમાં ગોળનો તેમજ મગફળી સાથે ઉપયોગ કરવો જોઈએ.
- પ્રેગનેન્સી દરમિયાન આપવામાં આવતી હિમોગ્લોબીનની દવાથી પણ લોહીની ટકાવારી સારી રહે છે.
- કેટલીક વાર દર્દી નિયમિત પૌષ્ટિક આહાર લેય, હિમોગ્લોબીનની દવા નિયમિત લેય છતાં પણ હિમોગ્લોબીન વધતું નથી અથવા દર્દી હિમોગ્લોબીનની દવા નિયમિત લેતા નથી અથવા લેવામાં આળસ કરે છે, તેનાથી ઉલ્ટી, એસીડીટી રહે છે, ડિલિવરીનો સમયગાળો નજીક હોય છે કે ટુંકા સમયગાળામાં હિમોગ્લોબીન વધારવાની જરૂર છે ત્યારે આયર્નના ઇન્જેક્શન આપીને પણ હિમોગ્લોબીન વધારી શકાય છે.
- ફોલિક એસિડની ઉણપ ન થાય તેના માટે લીલાં પાંદડાવાળી શાકભાજી તરીકે પાલક, કોબી, ફ્લાવર, બ્રોકલી લઇ શકાય છે.
- રાજમા, કાબુલી ચણા, વટાણા પણ લઇ શકાય.
- ફોલિક એસિડ અને B12 ની દવા પીવાથી અથવા ઇન્જેક્શનથી પણ હિમોગ્લોબીન વધારી શકાય છે.
2) લોહી વધારે પડતું વહી જવું
- દર્દીને મસાની તકલીફ હોય, દર્દીને પ્રેગનેન્સી દરમિયાન વધારે પડતું માસિક આવેલું હોય, પ્રેગનેન્સી પહેલાં દર્દીને વધારે માસિક આવવાની તકલીફ હોય આવા કારણોમાં દર્દીની લોહીની ટકાવારી ખૂબ ઓછી થઇ જાય છે.
3) હિમોગ્લોબીનની શ્રુંખલામાં ખામી હોવી
- વારસાગત ફેરફાર થવાને કારણે જેને હિમોગ્લોબીનોપેથી કહેવામાં આવે છે. હિમોગ્લોબીનની શ્રુંખલામાં ફેરફાર થવાને કારણે રક્તકણોનું આયુષ્ય ઓછું થાય છે. રક્તકણો જલ્દી તૂટી જાય છે તેથી દર્દીની લોહીની ટકાવારી જલ્દી ઓછી થાય છે જેમાં સિકલસેલ ડીસીઝ અથવા થેલેસેમીયા જેવા રોગો થતા હોય છે. આવા રોગો વારસાગત રોગો હોય છે જે માતાપિતાના થેલેસેમીયા કે સિકલસેલના રીપોર્ટ કરાવીને પણ જાણી શકાય છે.
- જયારે દર્દીની લોહીની ટકાવારી ખૂબ જ ઓછી થઇ ગઈ હોય, રોજિંદા કામોમાં પણ વધારે શ્વાસ ચડતો હોય અથવા વધારે પડતી તકલીફો થતી હોય, આયર્નની ગોળી કે ઇન્જેક્શન આપવા છતાં પણ હિમોગ્લોબીન ન વધતું હોય અને ડિલિવરીનો ખૂબ નજીકનો સમય હોય અથવા ડિલિવરી સમયે ખૂબ વધારે લોહી વહી ગયું હોય અને હિમોગ્લોબીન ખૂબ જ ઓછું થયું હોય તો એવા સંજોગોમાં લોહીની બોટલ ચડાવવાની પણ જરૂર પડતી હોય છે.
No Comments