- સોનોગ્રાફી પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ ઉપયોગી એવી એક નિદાન પધ્ધતિ છે. જે અત્યારના આધુનિક વિજ્ઞાનની સૌથી સરળ અને સુગમ એવી નિદાન પધ્ધતિ છે.
- સોનોગ્રાફી શા માટે પ્રેગનેન્સી દરમિયાન સરળ અને સુગમ પધ્ધતિ છે તે જાણીએ.?
- સોનોગ્રાફીમાં જે વપરાતા અલ્ટ્રા સાઉન્ડ વેવ છે. એ વેવસ ગર્ભને અથવા તો ગર્ભવતી મહિલાને કોઈ પણ નુકસાન કરતા નથી. તદઉપરાંત લોહીના રીપોર્ટ કરીને નિદાન કરવામાં આવે છે તેમાં દર્દીને સોય મારીને દુઃખાવો થાય છે. તેવા પ્રકારનો કોઈ દુઃખાવો પણ થતો નથી.
- તદઉપરાંત નિદાન માટેની જે દૂરબીનની પધ્ધતિ છે, જેમાં દર્દીને દાખલ કરવું પડે છે, બેહોશ કરવું પડે છે, તેવું પણ સોનોગ્રાફી કરવાની જરૂર નથી.
- આ ઉપરાંત CT SCAN અને X-RAY જેવી નિદાનની પધ્ધતિ છે. જેનાં ક્ષ-કિરણો ગર્ભસ્થ શિશુને ખૂબ જ નુકશાન કરતું હોય છે, જે સોનોગ્રાફીમાં થતું નથી. આથી સોનોગ્રાફી લાભદાયી છે, સરળ છે, અને સુગમ પણ છે.આથી દરેક દર્દી સોનોગ્રાફીથી નિદાન કરવા માટે તૈયાર થઇ જાય છે.
તો હવે જાણીએ સોનોગ્રાફી શા માટે કરાવવી જોઈએ અને ક્યારે કરાવવી જોઈએ.?
- પ્રેગનેન્સી દરમિયાન સોનોગ્રાફી બે રીતે કરવામાં આવે છે.
એક પ્રેગનેન્સીના મહિના અનુસાર….
બીજી પ્રેગનેન્સીમાં થતી તકલીફ અનુસાર…..
સૌથી પહેલાં આપણે જાણીએ કે પ્રેગનેન્સીના મહિના અનુસાર કેવી રીતે સોનોગ્રાફી થાય છે.?
- સૌથી પહેલી સોનોગ્રાફી જે કરવામાં આવે છે તે પ્રેગનેન્સીના બે મહિના પુરા થતાની આસપાસ કરવામાં આવે છે.
- આ સોનોગ્રાફીમાં ગર્ભ ગર્ભાશયની અંદર છે કે બહાર છે, એક ગર્ભ છે કે બે ગર્ભ છે, ગર્ભનો માસિકના દિવસો પ્રમાણે વિકાસ યોગ્ય છે કે નહી અને કેટલા અઠવાડિયાનો વિકાસ છે, ગર્ભના ધબકારા નિયમિત છે, બરોબર સંખ્યામાં છે. તે જાણી શકાય છે.
- તદઉપરાંત ગર્ભાશયમાં કે અંડાશયમાં અથવા એની આસપાસ કોઈ પણ પ્રકારની કંઈ તકલીફ છે કે નહિ, તેના વિશે પણ માહિતી મેળવી શકાય છે.
બીજો સોનોગ્રાફી ૩ મહિના પુરા થતાની આસપાસ આવે છે.
- આ સોનોગ્રાફી ગર્ભનો વિકાસ, ગર્ભ હલનચલન કરે છે કે નહિ, ગર્ભ શિશુનો ધબકારા બરાબર છે કે નહિ, અન્ય કોઈ શારીરિક ખામી છે કે નહિ, અથવા તો ગર્ભશીશુમાં રંગસુત્રોની કોઈ ખામી છે કે નહિ.
- ગર્ભાશયના મુખની લંબાઈ કેટલી છે ? ગર્ભાશયનું મુખ ટુંકુ તો નથીને ? ગર્ભાશયનું મુખ અને મેલી વચ્ચેનું અંતર કેટલું છે ? મેલી વધારે પડતી નીચેના ભાગમાં નથીને….?
- આ બધી વસ્તુ ૩ મહિનાની આસપાસ સોનોગ્રાફી કરવામાં આવે છે તેનાથી જાણી શકાય છે.
ત્રીજી સોનોગ્રાફી જે પાંચ મહિના પુરા થતાની આસપાસ કરવામાં આવે છે.
- આ સોનોગ્રાફી ટાર્ગેટ સ્કેન અથવા ANOMALY સ્કેનના નામે ઓળખાય છે.
- આ સોનોગ્રાફી દરમિયાન ખાસ કરીને ગર્ભસ્થ શિશુનાં ખોડખાંપણ વિશેની માહિતી મેળવવા માટે થાય છે.
- તેમજ ગર્ભશીશુનો વિકાસ, ગર્ભશીશુના આજુબાજુનું પાણી, ગર્ભશીશુ હલનચલન કરે છે કે નહિ, ગર્ભાશયનું મુખ, ગર્ભાશયમાં કોઈ તકલીફ, મેલી અને તેના મુખ વચ્ચેનું અંતર આ પણ માપવામાં આવે છે.
ચોથી સોનોગ્રાફી જે ૭ થી ૯ મહિનામાં જરૂરિયાત અનુસાર કરવાની હોય છે.
- આ સોનોગ્રાફીમાં ખાસ કરીને બાળકનાં વજન અને એમનો વિકાસ માસિકના અઠવાડિયા પ્રમાણે યોગ્ય થાય છે કે નહિ તે, અને જો વિકાસ ઓછો હોય, તો બાળકની નાળમાંથી ગર્ભાશયને લોહી પહોચાડતી ધોળી નસમાંથી તેમજ બાળકના મગજને પહોંચાડતી રક્તવાહિનીમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થાય છે કે નહિ તેનું પરિક્ષણ કરવામાં આવે છે.
- આ ઉપરાંત બાળકનાં આજુબાજુનું પ્રમાણ, બાળક હલનચલન કરે છેકે નહિ, બાળકનાં ધબકારા યોગ્ય છે કે નહિ. એની પણ તપાસ કરવામાં આવે છે.
પ્રેગનેન્સી દરમિયાન થતી કેટલીક તકલીફો માટે પણ સોનોગ્રાફીની સલાહ કરવામાં આવે છે.
- જેમ કે, દર્દીને પેટમાં દુઃખાવો થતો હોય, પેશાબ જેવું પાણી પડે, માસિક વધારે પડતું આવે, બાળક ફરકતું ઓછું લાગે આવા સંજોગોમાં પણ સોનોગ્રાફીની સલાહ આપવામાં આવે છે.
- અથવા તપાસ દરમિયાન દર્દીને B.P વધારે આવે, ડાયાબીટીસ આવે, બાળક હલનચલન ઓછું લાગે, બાળકનો વિકાસ ઓછો લાગે, બાળકનાં ધબકારા અનિયમિત અથવા ઓછા છે, તો આવા સંજોગોમાં પણ ૭ થી ૯ મહિનાની વચ્ચે સોનોગ્રાફીની સલાહ આપવામાં આવે છે.
- સોનોગ્રાફીમાં ખાસ ધ્યાન દેવાની બાબત એ છે કે, જયારે ૩ મહિનાની સોનોગ્રાફીની સલાહ દેવામાં આવે છે, ત્યારે દરેક દર્દીનો સામાન્ય રીતે એક સવાલ હોય છે, કે જો ૫ મહિને ખોડખાંપણની સોનોગ્રાફી કરાવવાની હોય છે તો આ ૩ મહિનાની સોનોગ્રાફી ન કરાવીએ તો ન ચાલે, પરંતુ એવું નથી મિત્રો…..
- ૩ મહિનાની સોનોગ્રાફીની પણ ખૂબ અગત્યતા હોય છે, ૩ મહિને જે રંગસૂત્રોની તપાસ કરવામાં આવે છે, એ રંગસૂત્રોની તપાસ અને એ ખામી ૫ મહિને નિદાન કરી શકાતું નથી.
- તેમજ ૩ મહિને પણ ૬૦-૭૦ % જેવા અંગોની ખોડખાંપણનું નિદાન પણ થઇ શકે છે.
- ગર્ભાશયના મુખની લંબાઈ અનુસાર જરૂર પડે તો ૩ થી ૪ મહીને ટાંકો પણ લઇ શકાય છે. જેથી મુખ ખુલી જવાથી અધૂરા મહીને થતી ડિલેવરીને અટકાવી શકાય છે.
- તો ૫ મહીને સોનોગ્રાફી કરાવ્યા છતાં પણ ૩ મહિનાની સોનોગ્રાફીની ખૂબ જ અગત્યતા હોય છે.
- તો આ આપણે જાણ્યું કે સોનોગ્રાફી એ પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ ઉપયોગી નિદાન પધ્ધતિ છે.
- તો દરેક દર્દીઓને વિનંતી કે આપના ડોકટરો દ્વારા જયારે પણ સોનોગ્રાફીની સલાહ આપવામાં આવે ત્યારે યોગ્ય કારણ સમજી સોનોગ્રાફી ચોક્કસ કરાવી લેવી જોઈએ…..આપની પ્રેગનેન્સી આરામદાયક, સુખદાયક, આનંદદાયક નીવડે એવી સૌ કોઈને શુભેચ્છા…..
No Comments