પ્રેગનેન્સી દરમિયાન 70 થી 75 % બહેનોને કમરના દુ:ખાવાની તકલીફ રહેતી હોય છે. તેમાંથી કેટલીક બહેનોને આ દુ:ખાવો અસહ્ય થઈ જાય છે. તેના મુખ્ય કારણોમાં પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક ફેરફારો, પોષકતત્વોની ઉણપ તેમજ ઉઠવા, બેસવા, સુવાની, કામ કરવાની ખોટી પદ્ધતિને કારણે થતું હોય છે.
તો જાણીએ કે તેના કારણો શું છે ? તેને કેવી રીતે અટકાવી શકાય ? અને જો અસહ્ય કમરનો દુ:ખાવો થાય તો તેનું નિદાન અને સારવાર કેવી રીતે કરી શકાય ?
કમરના દુ:ખાવાનું કારણ શું છે ?
- પ્રેગનેન્સી દરમિયાન ગર્ભ શિશુનો વિકાસ થાય તેમ પેટનો ભાગ વધે છે. એટલે કે પેટ આગળ વધે છે તેથી શરીરનું બેલેન્સ જાળવી રાખવા માટે દર્દી પોતાના ખભા પાછળ ખેંચે છે જેથી કરોડરજ્જુ મરડાઈ છે અને કમરનો દુ:ખાવો થાય છે.
- પ્રેગનેન્સી દરમિયાન રિલેક્સિંગ અને પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે સ્નાયુઓને ઢીલા કરે છે. જેથી ડિલેવરી સરળતાથી થઈ શકે. સ્નાયુઓ ઢીલા પડવાને કારણે આખા શરીરનો વજન કમરના મણકા ઉપર આવતો હોવાથી કમરના દુ:ખાવાની તકલીફ વધારે થાય છે.
- દર્દીના વજન વધવાને કારણે પ્રેગનેન્સી દરમિયાન કેલ્શિયમ અને વિટામીન D3 ની વધારે જરૂરિયાત અને દર્દી દ્વારા ખોરાક અપૂરતા પ્રમાણમાં લેવાને કારણે એટલે કે પોષક તત્વોની ઉણપને કારણે પણ કમરનો દુ:ખાવો વધુ થતો હોય છે.
- પ્રેગનેન્સી દરમિયાન દર્દીને ઉઠવા-બેસવા, સુવાની તેમજ કામ કરવાની અને ઉભા રહેવાની ખોટી પદ્ધતિને કારણે પણ કમરનો દુ:ખાવો વધુ રહેતો હોય છે.
પ્રેગનેન્સી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
- દર્દીએ હાઈ હિલ ચંપલ ન પહેરવા જોઈએ.
- ઉભા રહેવાની, બેસવાની, કામ કરવાની, સુવાની વિશિષ્ટ પદ્ધતિઓમાં પણ ધ્યાન આપવું જોઈએ.
ઉભા રહેવામાં ધ્યાનમાં રાખવાની બાબતો
- દર્દીએ પેટનો ભાગ અંદર ખેંચીને રાખવો. કમર સીધી રાખવી જોઈએ, લાંબા સમય સુધી ઉભું ન રહેવું જોઈએ. જરૂર પડે તો એક પગ નીચે પાટલો રાખવો અને થોડીવાર પછી બીજા પગ નીચે પાટલો બદલી નાખવો જોઈએ કે જેથી કમરને આરામ રહે.
બેસવામાં ધ્યાનમાં રાખવાની બાબતો
- દર્દીએ આખા જમીન પર બેસવા કરતા ગાદી, સોફા કે ખુરશી ઉપર બેસવું જોઈએ. બેસવા સમયે કમર પાછળ ટેકો લઈને તે માટે ગાદી રાખવી જોઈએ. લાંબો સમય બેસી ન રહેવું જોઈએ. લાંબો સમય બેસવાની જરૂર પડે તો પગની નીચે પાટલો રાખવો કે જેથી ઘૂંટણ હિપ જોઈન્ટ કરતા વધારે ઊંચા રહે તો કમરને આરામ મળી રહે.
કામ કરતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
- દર્દીએ વધારે પડતું વજન ન ઉપાડવું જોઈએ. વજન ઉપાડવાની જરૂર પડે તો તે શરીરથી નજીક રાખવું જોઈએ. મરોડાઈને કામ ન કરવું કે જેથી સ્નાયુઓ ખેંચવાની તકલીફ ન થઈ શકે.
સુવામાં ધ્યાનમાં રાખવાની બાબતો
- દર્દીએ સીધા ન સૂવું જોઈએ. પરંતુ એક બાજુ પડખા ફરીને સૂવું. તેમાં પણ પગ નીચે અને હાથ નીચે ઓશીકું રાખવું કે જેથી કમર ખેંચાય નહીં. એકદમ નરમ પથારી ઉપર ન સુતા થોડી કઠણ પથારી ઉપર સૂવું જોઈએ.
અન્ય બાબતોમાં
- પ્રેગનેન્સી દરમિયાન વિટામીન D3 ની ઉણપ ન થાય તે માટે આપના ડોક્ટર દ્વારા કહેવામાં આવતી દવા સમયસર લેવી જોઈએ. સૂર્ય સ્નાન નિયમિત કરવું. કેલ્શિયમની ઉણપ ન થાય તે માટે ખોરાકમાં દૂધ, દહીં, છાશ, ખીર અને અન્ય કેલ્શિયમ જન્ય ખોરાક લેવા જોઈએ.
- પ્રેગનેન્સી દરમિયાન કમરના સ્નાયુઓ વધારે મજબૂત બને અને તેની જડતા ઓછી થાય તે માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જેમકે આગળ પાછળ ઝૂકવું, ડાબી જમણી બાજુ ઝુકવું, કમરને મરોડવાની કસરતો કરવી જોઈએ.
- કેટલાક આસોનો કરવાથી પણ કમરના સ્નાયુઓ મજબૂત બને છે અને દર્દીને કમરની દુ:ખાવાની તકલીફ ઓછી થાય છે. તેવા આસનોમાં તાડાસન, પર્વતાસન, વિપરીતકરણી આસન, અર્ધકટી ચક્રાસન, ગૌમુખાસન, બદ્ધકોણાસન, બાલાસન, સેતુબંધાસન, વિરભદ્રાસન અને કેટકેમલ પોઝથી દર્દીને કમર દુ:ખાવાની તકલીફો ઓછી થતી હોય છે.
બધી બાબતોનું ધ્યાન રાખવા છતાં પણ કમરનો અસહ્ય દુ:ખાવો થાય તો શું કરવું ?
- વધારે આરામ કરવાની જરૂર પડી શકે.
- હળવો મસાજ કરી શકાય.
- કમરના ભાગમાં ગરમ પાણીનો શેક કરી શકાય.
- લોકલ લગાવી શકાય તેવું ઓઇન્ટમેન્ટ ડોક્ટરની સલાહ પ્રમાણે લઈ શકાય.
- વધારે દુ:ખાવો થાય તો ડોક્ટરની સલાહ પ્રમાણે દુ:ખાવાની દવા પણ લઈ શકાય.
- કમરમાં દુ:ખાવો થયા પછી કેવા પ્રકારની કસરત કરવી તેના માટે આપણા જાણીતા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ પણ લઈ શકાય.
ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે જ્યારે પ્રેગ્નેન્સી દરમિયાન કમરનો દુ:ખાવો અસહ્ય થાય તો આપના ડોક્ટરની સલાહ વગર વારંવાર દુ:ખાવાની ગોળી લેવી અયોગ્ય છે.
No Comments