થાઇરોઇડ હોર્મોન્સ શું છે ? ક્યાંથી ઉત્પન્ન થાય છે ? તેનું શરીરમાં શું કામ છે ? તેની ઉણપ હોય અથવા વધારે પ્રમાણમાં હોય તો ગર્ભશીશુ પર શું અસર થાય છે ? માતા પર શું અસર થાય છે ? અને તેનું નિદાન કઈ રીતે કરી શકાય છે ? તેના વિશે જાણીએ…..
થાઇરોઇડ હોર્મોન્સ શું છે ? અને ક્યાંથી ઉત્પન્ન થાય છે. ?
- થાઇરોઇડ હોર્મોન્સ ગળામાં આવેલી થાઇરોઇડ નામની ગ્રંથીમાંથી ઉત્પન્ન થાય છે.
- મગજમાં આવેલો પિટ્યુટરી ગ્રંથી તેમાંથી TSH નામનો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે થાઇરોઇડ ગ્રંથીની અંદર આવેલા કોષોને અસર કરે છે અને આ કોષો ખોરાકમાં લેવામાં આવેલા આયોડીનનો ઉપયોગ કરીને T3 અને T4 નામના હોર્મોન્સને ઉત્પન્ન કરે છે.
- T3 અને T4 હોર્મોન્સ વધારે પ્રમાણમાં હોય તો તેને હાઈપરથાઇરોડીઝમ કહેવામાં આવે છે અને જો આ હોર્મોન્સ ઓછા પ્રમાણમાં હોય તો તેને હાઈપોથાઇરોડીઝમ કહેવામાં આવે છે.
થાઇરોઇડ હોર્મોન્સ શરીરમાં શા માટે ઉપયોગી છે ?
- થાઇરોઇડ હોર્મોન્સ શરીરમાં ચાલતી દરેક જીવંતપ્રક્રિયા સંતુલિત પ્રમાણમાં ચાલે તે માટે ખૂબ જરૂરી છે.
- શરીરના દરેક કોષોમાં જે જીવંત પ્રક્રિયા ચાલે છે તે ચલાવવા માટે જરૂરી ઓક્સિજન અને શક્તિ યોગ્ય પ્રમાણમાં અને સમયસર મળી રહે તે માટે થાઇરોઇડ જરૂરી છે.
- જો થાઇરોઇડ હોર્મોન્સનું પ્રમાણ ઓછું થાય તો આ જીવંતપ્રક્રિયા ધીમી પડે અને જો થાઇરોઇડ હોર્મોન્સનું પ્રમાણ વધે તો આ જીવંતપ્રક્રિયા વધુ ઝડપી બને છે.
- વધારે ધીમી અને વધારે ઝડપી આ બંને પ્રક્રિયા શરીર માટે નુકશાનકારક છે.
થાઇરોઇડ હોર્મોન્સની ઉણપ હોય અથવા વધારે પ્રમાણમાં હોય તો ગર્ભશીશુ પર શું અસર થાય છે ? અને માતા પર શું અસર થાય છે ?
- જીવંતપ્રક્રિયા ગર્ભશીશુના મગજના વિકાસ માટે તેમજ તેના ચેતાતંતુની રચના માટે તેમજ ચેતાઓ વચ્ચે કનેક્ટીવીટી એટલે કે ન્યુરોન વચ્ચે કનેક્ટીવીટી સંદેશાની આપ લે માટે આ થાઇરોઇડ હોર્મોન્સનું યોગ્ય પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી હોય છે. જો આ થાઇરોઇડનું પ્રમાણ ઘટે તો ગર્ભશિશુના મગજનો વિકાસ તેમજ ચેતાતંતુની રચનામાં ખલેલ પહોચે છે જે બાળકનાં માનસિક વિકાસમાં તેમજ તેની વૈચારિક શક્તિઓમાં ખામી સર્જી શકે છે.
- આ ઉપરાંત થાઇરોઇડની બીમારીને કારણે ગર્ભશિશુનું એબોર્શન થવું, વજન ઓછું આવવું, અધૂરા મહીને ડિલિવરી થવી, જન્મજાત ખોડખાપણ થવી તેમજ માનસિક રીતે ઓછું વિકસિત બાળકનો જન્મ થવાની શક્યતા વધે છે.
- આ ઉપરાંત થાઇરોઇડ હોર્મોન્સ વધારે કે ઓછો હોય તો ગર્ભશિશુનું એબોર્શન થવું, અધુરા મહિને ડિલિવરી થવી, ડિલિવરી પછી વજન ઓછું આવવું, પૂરા મહિના ઉપર ગર્ભપાત, ખોડખાંપણ આવવી અથવા બાળકમાં થાઇરોઇડની બીમારી આવવાની શક્યતાઓ રહેતી હોય છે.
- થાઇરોઇડ હોર્મોન્સ ઓછો હોય તો માતામાં કમજોરી આવવી, થાક લાગવો, કામ કરવામાં મન ના લાગવું, હૃદય ઓછું ધબકવું, લોહીની ટકાવારી ઓછી થવી, બીપી વધારે આવવું એવી તકલીફો થતી હોય છે.
- જ્યારે થાઇરોઇડ હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય તો હાયપરએમેસીસ ગ્રેવિડા એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉલ્ટી થવી, ધ્રુજારી આવવી, ખોરાક સારા પ્રમાણમાં લેવા છતાં પણ વજન ના વધવું, બીપી વધારે આવવું, હૃદયની ખામી સર્જાવી આવી પ્રકારની ખામીઓ પણ થતી હોય છે.
થાઇરોઇડની બીમારીનું નિદાન કેવી રીતે કરી શકાય ?
- થાઇરોઇડની બીમારીનું નિદાન માતાના લોહીના રીપોર્ટથી કરી શકાય છે.
- લોહીના રીપોર્ટમાં TSH અથવા T3 અથવા T4 નામના હોર્મોન્સનો રિપોર્ટ કરાવીને થાઇરોઇડની બીમારી છે કે નહિ તેનું નિદાન થતું હોય છે.
થાઇરોઇડ બીમારીનું નિદાન વહેલામાં વહેલા ક્યારે કરવું જોઈએ ???
- થાઇરોઇડની બીમારીનું નિદાન શક્ય હોય તો પ્રેગનેન્સી રહેતાની પહેલા અથવા તે સમયે ના થઇ શકે તો માસિકની ઉપર સાત કે દસ દિવસ ચડ્યા બાદ જ્યારે પણ ડોક્ટર પાસે તપાસ કરવામાં આવે છે ત્યારે થાઇરોઇડનો રિપોર્ટ અચૂક કરાવી લેવો જોઈએ.
- તેનું મુખ્ય કારણ એ છે કે ગર્ભના મગજનો વિકાસ અને ચેતાતંતુનો વિકાસ શરૂઆતના 2 મહિનામાં થતો હોય છે અને આ મગજના વિકાસ માટે થાઇરોઇડનો હોર્મોન્સ યોગ્ય પ્રમાણમાં હોવો જરૂરી છે.
- ગર્ભશિશુના શરૂઆતના દસેક અઠવાડિયા પછી તેમની થાઇરોઇડ ગ્રંથિનું નિર્માણ થતું હોય છે એટલે આ સમય દરમિયાન ગર્ભશિશુને પોતાના થાઇરોઇડ હોર્મોન્સ માટે માતાના થાઇરોઇડ હોર્મોન્સ ઉપર આધાર રાખવો પડતો હોય છે. તેથી શરૂઆતના જ દિવસોમાં થાઇરોઇડ હોર્મોન્સની બીમારી છે કે નહિ તેનું નિદાન થવું ખૂબ જ જરૂરી છે.
- થાઇરોઇડની બીમારીનું એકવાર નિદાન થયા બાદ એ થાઇરોઇડ હોર્મોન્સ યોગ્ય પ્રમાણમાં જળવાય રહે છે કે નહિ તેના માટે ચાર કે છ અઠવાડિયાના સમયાંતરે ડોકટરની સલાહ મુજબ થાઇરોઇડનો રિપોર્ટ કરાવતો રહેવો જોઈએ.
- માતામાં આવેલી થાઇરોઇડ બીમારીને કારણે ગર્ભશિશુમાં થાઇરોઇડની કોઈ બીમારી છે કે નહિ તેનું નિદાન કરવા માટે ડિલિવરીના 72 કલાક પછી પીડિયાટ્રીક એટલે કે બાળકોના ડોકટરની સલાહ મુજબ તે રિપોર્ટ કરાવવો જોઈએ અને યોગ્ય સમયસર બાળકની સારવાર પણ શરૂ થવી જોઈએ.
No Comments