આજે આપણે જાણીશું કે, ડિલિવરી દુઃખાવો કોને કહેવાય ? ડિલિવરીના લક્ષણો કયા કયા હોય છે ? અને તમારે હોસ્પિટલે ક્યારે જવું ? અવારનવાર સાંભળેલી વાતોના કારણે દર્દી મુશ્કેલીમાં મુકાય જાય છે કે મારે હોસ્પિટલે ક્યારે જવું ? કેટલીક માહિતી અજ્ઞાનતાને કારણે ગર્ભાવસ્થા સ્ત્રીને હંમેશા કોઈ પણ દુઃખાવો થાય તો એવું સમજે છે કે આ ડિલિવરીનો દુઃખાવો છે તેથી તે વારંવાર હોસ્પિટલ જાય છે અને એના કારણે એમના પરિવાર જનોને પણ અગવડતા લાગે છે. તેમજ આ અજ્ઞાનતાને કારણે ડોક્ટર પાસે પણ એવી માગણી કરતા હોય છે કે મને આ ડિલિવરીનો જ દુઃખાવો છે.મને દાખલ કરી લેવા જોઈએ. તો જાણીએ કે ડિલિવરીના લક્ષણો વિશે ગર્ભવતી સ્ત્રીએ શા માટે જાણવું જોઈએ ? અને સાચા ડિલિવરીના લક્ષણો કયા હોય છે…..
બીજી ક્યારેક એવી અગવડતા થતી હોય છે કે આ યોગ્ય લક્ષણોની માહિતી ન હોવાને કારણે, સમયસર હોસ્પિટલ ન પહોચવાને કારણે, વિલંબ કરવાને કારણે પણ ક્યારેક બાળક અને માતા માટે તકલીફ ઊભી થાય છે.
જેમ કે, લાંબા સમય સુધી ડિલિવરીનો દુઃખાવાની સમજણ ન હોવાને કારણે ઘરે અથવા રસ્તામાં જ ડિલિવરી થઇ જવાની શક્યતાઓ વધી જાય છે. તેમજ બાળકનાં આજુબાજુનું પાણી લાંબા સમય સુધી પડે અને દર્દી હોસ્પિટલે ન જાય તો બાળકને ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ વધી જાય છે. તેથી દરેક ગર્ભવસ્થા સ્ત્રીએ આ ડિલિવરીના લક્ષણો શું હોય છે અને ક્યારે હોસ્પિટલ જવું એ જાણવું ખૂબ જ જરૂરી છે.
ડિલિવરી થવાના લક્ષણો
ડિલિવરીના સામાન્ય ત્રણ લક્ષણો હોય છે.
૧. પેટમાં/પેડુમાં દુઃખાવો થવો.
૨. પેશાબની ધાર થાય તેવું સફેદ પાણી આવવું.
૩. લાલ રંગનો ચીકણો સ્ત્રાવ થવો.
૧. પેટમાં/પેડુમાં દુઃખાવો થવો.
- ૮ મહિના પુરા થયાં પછી સામાન્ય રીતે દરેક ગર્ભવતી સ્ત્રીને થોડો-થોડો દુઃખાવો થતો હોય છે જેમાં કેટલોક દુઃખાવો ખોટો હોય છે અને ડિલિવરીનો દુઃખાવો એ સાચો દુઃખાવો હોય છે.
- ડિલિવરીનો સાચો દુઃખાવો છે. એના લક્ષણો સમજીએ……
- ડિલિવરીનો દુઃખાવો છે એ પેડુના નીચેના ભાગમાં થાય છે અને પેટનો ભાગ કડક થાય છે. દુઃખાવો સાથળના આગળના ભાગમાં હોય છે અથવા પાછળના ભાગમાં જતો હોય છે. આ દુઃખાવો કોઈ પણ ઇન્જેક્શન કે દવા આપવાથી રાહત થતી નથી. તેમજ આરામ કરવાથી પણ રાહત થતી નથી.
- આ દુઃખાવો થોડા-થોડા અંતરે આવે છે અને જતો રહે છે, ધીમે ધીમે કરતાં વધતો જાય છે, બે દુઃખાવા વચ્ચેનું અંતર ઘટતું જાય છે અને લાંબા સમય સુધી ટકી રહે છે.
- આ છે ડિલિવરીના દુઃખાવાની લાક્ષણિકતાઓ. જો આવો દુઃખાવો થાય તો તમારે તરત હોસ્પિટલે તપાસ માટે જવું જોઈએ.
- જો આવો દુઃખાવો ૩૭ અઠવાડિયા પહેલાં થતો હોય તો અધૂરા મહિનાનો દુઃખાવો કહેવાય. આવા દુઃખાવા સમયે તરત જ હોસ્પિટલ જવું જોઈએ. જેથી સમયસર ડિલિવરીનો દુઃખાવો, જે અધૂરા મહિનાનો દુઃખાવો છે તે બંધ કરવા માટેના ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવે તો બાળક પુરા મહિના સુધી ખેંચી શકે તેવી સગવડતાઓ થઇ શકે.
૨. પેશાબની ધાર થાય તેવું સફેદ પાણી આવવું.
- આ પાણી જે પડે છે તે બાળકનાં આજુબાજુનું પાણી પડે છે. બાળકનાં આજુબાજુ એક પડદો હોય છે. આ પડદો તુટવાથી બાળકનાં આજુબાજુનું પાણી પડે છે, અને યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે. આ પ્રવાહને માતા રોકી શકતી નથી તેમજ આ પ્રવાહમાં રેલા ઉતરે એવું પાણી આવતું હોય છે. પગ ભીનાં થાય છે અને કપડાં પણ નીચોવાય એટલો પ્રવાહ પડતો હોય છે. આને સામાન્ય મેડિકલ ભાષામાં લિકિંગ કહેવાય છે.
૩. લાલ રંગનો ચીકણો સ્ત્રાવ થવો.
- આ લાલ રંગનો ચીકણો પ્રવાહનું કારણ છે ડિલિવરીના દુઃખાવા સાથે મુખ ખુલવું. ગર્ભાશયનું મુખ ખુલવાને કારણે લાલ રંગનો ચીકણો લોહી મિશ્રિત પ્રવાહ આવતો હોય છે.
- સામાન્ય રીતે આ ત્રણ લક્ષણો થતાં હોય છે જેમાં ગર્ભવતી સ્ત્રીએ હોસ્પિટલે તપાસ માટે જવું જોઈએ.
- આ લક્ષણો થવાથી તરત જ ઉતાવળ ન કરતાં ધીરજથી આ લક્ષણોને ૧ થી ૨ કલાક ઓબઝર્વ કરીને ત્યારબાદ સતત એની એ જ તકલીફ હોય તો તપાસ માટે જવું જોઈએ.
- આ સિવાય કેટલાક એવા લક્ષણો છે કે જે ઈમરજન્સીમાં હોસ્પિટલ જવું જરૂરી છે. જેમ કે, ખૂબ જ વધારે પડતા પગમાં સોજા આવી જવા. ખાસ કરીને સવારમાં સોજા આવવા, દર્દીને ખૂબ જ માથાનો દુઃખાવો થવો, તેની સાથે ઉલટી થવી અથવા જોવામાં તકલીફ પડતી હોય તો આ લક્ષણોમાં બી.પી. વધારે હોવાની શક્યતાઓ હોય છે. તેમજ વધારે પડતાં માસિક આવે, બાળક ફરકતું ઓછું લાગે. તો આવા કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલે જવું જોઈએ.
- બાળક ઓછું ફરકે છે એવું ક્યારે કહી શકાય ?
તેના માટે દરેક ગર્ભવતી સ્ત્રીએ સવાર, બપોર અને સાંજે જમ્યા પછી ૧ કલાક ડાબા પડખે ફરી અને પોતાનું બાળક ફરે છે ક નહિ તેનો અનુભવ કરવો જોઈએ. છતાં પણ બાળક ૧ કલાકમાં નથી ફરકતું તો કંઇ ગળ્યું ખાઈને અથવા તો લીંબુ શરબત કે ફ્રૂટનું જ્યુસ પીને ફરીથી ૧ કલાક ડાબા પડખે ફરીને જોવું. આ કર્યા છતાં પણ બાળક ફરકતું નથી તો તાત્કાલિક તપાસ માટે જવું જોઈએ.
- તો આમ, આવા તમામ લક્ષણોમાં હોસ્પિટલે જવાની તાત્કાલિક જરૂરિયાત છે એની તકેદારી રાખવી જોઈએ.
No Comments